ગુજરાતમાં ફક્ત બે જ પ્રકારનાં લોકો રહે છે. એક કે જેમને પાણીપુરી ભાવે છે અને બીજા જેને પાણીપુરી બહુ જ ભાવે છે. એવું એકપણ ગામ નહી મળે જયા સ્વાદના સરનામા સ્વરરૂપ પાણીપુરીનો ખુમચો હાજરાહજુર ન હોય. એમાય તેમની કાચના ડબ્બામાં કે પછી વાંસના ટોપલામાં લાલ કપડા નીચે પુરીઓ ગોઠવવાની કળા ભલભલા માણસનો ઉપવાસ તોડાવવા માટે પૂરતી હોય છે.
પહેલાના જમાનામાં ઋષિઓનું તપ તોડાવવા ચિંતિત ઇન્દ્ર વારેઘડીએ અપ્સરાઓને મોકલવાની અને કામદેવને આરાધવાની મહેનત કરવાની જરૂર ન હતી. મેનકાની જગ્યાએ કોઇ મનસુખ પાણીપુરીવાળાને લારી સાથે એમની સામે ઉભો રાખી દીધો હોત તો તપ બાજુમાં રહી ગયું હોત ને એ પણ એક હાથમાં પડીયું લઇને કહેતા હોત, “ભૈયાજી ઓર તીખી.. ઓર તીખી.”
આ પાણીપુરીવાળાને “ભૈયાજી”નું ઉપનામ કદાચ પાણીપુરીના મોસાળ ઉત્તર પ્રદેશને કારણે મળ્યું હશે. રાષ્ટ્રભાષા હિન્દીને ભારતભરમાં બેન્કથી માંડીને સરકારી ઓફિસ સુધી રોજબરોજના ઉપયોગ માટે કમ્પલસરી બનાવવામાં આવી છે, પણ ત્યાં તો આપણે ગુજરાતીથી જ ચલાવીએ છીએ અને જ્યાં આપણે પાણીપુરીવાળાના પડછાયામાં આવીએ એટલે આપણો રાષ્ટ્રભાષા પ્રત્યેનો પ્રેમ અચાનક જ જાગી જાય છે. “ભૈયાજી, છેલ્લે મોરી પુરી દેના.” અથવા તો “હજી તો અઢાર… કી જ હુઇ હે” જેવા બ્રહ્મવાક્યો દરેક ખૂમચે ગૂંજતા જ હોય છે. આવડે કે નહીં, પાણીપુરીવાળા જોડે તો હિન્દીમાં જ બોલવાનો વણલખ્યો નિયમ દરેક ગુજરાતી સંપૂર્ણતઃ પાળે જ છે.
અમેરીકાના એક મોટા સ્ટોરમાં ૭ ડૉલરની ખરીદી કરી ૧૦ ડૉલરની નોટ આપતાની સાથે કાઉન્ટર ઉપર બેઠેલ વ્યક્તિએ કેલક્યુલેટરમાં ગણ્યું કે પાછા કેટલા આપવાના? એ જોઇને થયું કે મોસ્ટ ડેવલોપડ દેશોના આ ભણેલા અભણો, જો આપણા પાણીપુરીવાળાને એક સાથે ૬ જુદા જુદા વ્યક્તિઓને પાણીપુરી ખવડાવી હોય અને એ બધાનો જુદો હિસાબ મનમાં કરતા જુએ તો ક્યાંકતો એ લઘુતાગ્રંથિ (inferiority complex) માં આવી જાય અથવા તો એ લોકો સીધા જ એને અમેરીકા લઇ જઇ અકાઉન્ટ હેડ બનાવી દે.
ઘરમાં જમતા પહેલા બે વખત સાબુથી હાથ ધોતો માણસ પાણીપુરી ખાતા પહેલા આવી કોઇ ફોર્માલીટીમાં વખત બગાડવામાં માનતો જ નથી. ચોખ્ખો પાણીપુરીવાળો એવી કોઇ વ્યાખ્યા ગુજરાતી સાહિત્યમાં થઇ જ નથી કારણકે એની જરૂર જ પડી નથી. આ લેખને અહીજ અટકાવી જરા યાદ કરો તમે નિયમિત જતા હશો તો તમને એ પાણીપુરીવાળા ભૈયાનો ચહેરો યાદ નહી આવે કારણકે ખુમચા ઉપર અર્જુનની એકનિષ્ઠતાથી તમારું ધ્યાન પેલી પુરીઓ ઉપર જ હોય છે, બીજા કશામાં નહીં. વધી ગયેલા નખથી ગોળમટોળ પુરીમાં એક સરખા કાણા કરીને એ જયારે એમા બટાકા અને ચણાનો પ્રવેશ કરાવે છે ત્યારે એની સાથે સાથે આપણા હાથમાં રહેલ પડિયો પણ ઉચો થાય છે અને જયા એ સ્ટીલની પવાલી કે કાળા માટલામાં પોતાનો હાથ અડધો બોળીને પાણીનો સંયોગ કરાવે છે ત્યારે લપલપાતા જીવે ભલભલા માણસના મનમાં થઇ જાય છે કે “જે થવું હોય તે થાય.. હાયજીનનીતો હમણા કહું એ… ૧..૨..ને …સાડા ૩…”
હમણા એક મિત્ર કહેતા કે હાર્દિકભાઇ તમારા લેખમાં આમ થોડી ફિલસૂફી વાળી વાતો ખૂટતી હોય છે, બહું સાદું સીધુ લખો છો દોસ્ત.. તો લો એમના માટે થોડી ફિલસૂફી…
ભલભલા સંતો અને મહંતો કે પછી ટ્રેનરો ન શીખવાડી શકે તેવા ઘોર જીવનજ્ઞાન પાણીપુરી આપણને શિખવાડે છે. કોઇકવાર મોટી પુરી પાણીમાં તરબોળ થઇને હાથ વાટે મ્હોં સુધી પહોંચે એ પહેલા તો અજાણતાં જ તૂટીને નીચે છટકી જાય છે. ક્ષણ માંટે એની સામે જોઇએ ત્યાં તો પાણીપુરીવાળો હસીને કહે છે, “રહને દો ભાઇ… યે લો દુસરી..”
જીવનનું પણ આવું જ હોય છે, કયારેક આપણું બનતું કામ છેક અંતમાં આવીને બગડી જાય ત્યારે આ પાણીપુરીની ફિલસૂફી યાદ રાખવા જેવી છે.. આપણે એક પુરી છટકી જતા કંઇ પાણીપુરી ખાવાનું ત્યાંજ છોડી નથી દેતા… ઇશ્વર પણ પેલા ભૈયાજીની જેમ છૂટી ગયેલ તકની સામે નવી એથીય વધુ સારી તક આપીને આપણને કહે છે કે “રહને દો ભાઇ.. યે લો દૂસરી..” આશા છે કે મિત્રોને ફિલસૂફી ઓફ પાણીપુરી ગમશે.
આ તો વાત થઇ જીવનમાં દરેક વસ્તુમાંથી કશુંક મેળવાની ઇચ્છા ધરાવતા લોકોની, પણ પાણીપુરીના ચાહકને આવા કોઇ હરખ નહી હોં! એ તો આમ જતો હોય અને જયા ખુમચો દેખાય ત્યાં તો અઠે દ્વારિકા ની જેમ આપોઆપ બ્રેક વાગી જાય. એવું તો કયું આકર્ષણ હશે કે આપોઆપ સઘળા કામ બાજુમાં મૂકી, સામેથી પસાર થતા હજારો લોકો પર નજર પણ નાખ્યાં વગર બસ શરુ થઇ જાય એક અદ્દભૂત ઘટના “હું અને પાણીપુરી.”
પાણીપુરી એ રાષ્ટ્રીય ખોરાક તરીકે જાહેર થઇ શકે તે માટે દાવેદાર પણ છે. એ ગુજરાતમાં “પાણીપુરી” તો દિલ્હીમાં “પકોડી પુરી” બની જાય છે. ગોળ આકારની કરકરી પુરી (ગોલ) અને એક જ કોળીયે ખવાતી હોવાથી (ગપ્પા) એમ મલીને ઉત્તર પ્રદેશમાં “ગોલગપ્પા” બની જાય છે. આને ખાતા પુચક કરીને અવાજ આવતો હોવાથી આને બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં “પુચકા” તરીકે પણ ઓળખાય છે અને ઓરિસ્સા, દક્ષિણ ઝારખંડ, બિહાર અને છત્તીસગઢમાં તે “ગુપચુપ” તરીકે પણ ઓળખાય છે.
પાણીપુરી સંપૂર્ણપણે સ્વદેશી વાનગી છે. અને એની ભારતીયતા એ બાબતે પણ સિદ્ધ થાય છે કે ભારતની દરેક ભાષામાં એના માટે નામ છે પણ તમે ઉપર ચડીને નીચે પડો તોય પાણીપુરીનું ઇગ્લીંશ નહી કરી શકો લો… કેટલાક વેદિયાઓ આ સાંભળી ને એને “વોટર બાઉલ” કે “એકવા બોલ” જેવા નામ આપવાના નિરર્થક પ્રયત્ન કરી ચૂક્યા છે. પણ પાણીપુરી જેનું નામ સ્વાત્રતા સંગ્રામના સમયથી સ્વદેશી ચળવળમાં એવી તો ભળી ગઇ છે કે એનું અંગ્રેજીકરણ શક્ય જ નથી.
હમણા વિદેશ પ્રવાસ દરમ્યાન અમેરીકામાં ન્યુજર્સીના એડિસનમાં એક રેસ્ટોરન્ટમાં પાણીપુરી જોઇ. ૧ ડોલરની ૧ પુરી સાંભળી ભારતીય મગજે સ્વભાવગત ૬૦ રુપિયાની ૧ પુરી એવું ગણિત ગણી લીધું. મનને મનાવતા ને પાણીપુરીના સન્માનમાં ૫ ડોલર સરકાવ્યા. પહેલીજ પુરી મ્હોંમાં મુકતા એ દેશના ભારતીયો પર દયા આવી અને બીજી જ ક્ષણે જો આ જ સારી માનતા હોય તો ખરેખર સારી પાણીપુરી આ દેશના લોકોને ખવડાવવામાં આવે તો કેટલા કરોડ ડોલરનો બિઝનેસ મળે તેની ગણત્રીએ ૩૦૦ રુપિયાની (૫ ડૉલરની) ૫ પુરીઓ પુરી કરી.
હમણા એક મિત્ર આપણાજ દેશમાં હાઇજીનીક પાણીપુરીના કોર્નર પર પરાણે લઇ ગયો. સફેદ એપ્રન પહેરેલ એક વ્યક્તિએ હાથમા ગ્લોઝ પહેરીને નાનકડી ભુંગળીથી કાણુ પાડી, ચમચી વડે બટાકા ચણા નાંખી, નળ માંથી ડિસ્ટીલ્ડ વોટરમાં બનાવેલ ફુદીનાનું પાણી ભેળવી એક્સાથે ૫ પુરીઓ ડિશમાં મુકી એની સાથે તેને ખાવા અમને ચમચી આપી ત્યારે અમારે હસવું કે રડવું એ ખ્યાલ ન આવ્યો. અમારા એક કવિ મિત્રએ તો આને ભારતીય પરંપરા પર થયેલા અનેક પશ્ચિમી આક્રમણોમાં સૌથી મોટું આક્રમણ ગણાવી એનો બહિષ્કાર પણ કર્યો. અંતે પાણીપુરીનો અનાદર કયારેય ન કરાય એવા ખરડાને અનુસરી પેલા દુકાનદારને ગાળો દેતા દેતા પણ હાથથી તેને ખાધી.
રસ્તાની એકબાજુએ ભીડથી અલિપ્ત થઇને ખવાતી પાણીપુરીની મજા જ કંઇક ઓર છે. એક રિસર્ચ કદાચ કોઇ મોટા સાઇકોલોજિસ્ટ કે વૈજ્ઞાનિકોએ કરવા જેવું છે કે જે પાણીપુરી ખુમચે ખાવામાં લિજ્જત આવે છે એજ પાણીપુરી પેક કરાવીને ઘરે લઇ જઇએ તો ય એટલી મઝા તો નથી જ આવતી.. ખરું ને?
એટલે તો પાણીપુરીના ખુમચાનો એક અલાયદો દરજ્જો હોય છે, અનેરું આકર્ષણ હોય છે. તો ચાલો લપલપાતી જીભે લેખ પડતો મૂકી ને નીકળો… જઇને એટલું જ કહેવાનું, “ભૈયાજી .. મસ્ત તીખી તમતમતી ખીલાના ઓર ચણે થોડે વધારે ડાલના…”
– ડૉ. હાર્દિક નિકુંજ યાજ્ઞિક
Source: Aksharnaad.com