नाकरिष्यद्यदि ब्रह्मा लिखितं चक्षरत्तमम् ।
तत्रेयमस्य लोकस्य नाभविष्यच्छुभा गतिः ।।
અગર બ્રહ્માજીએ લેખન લિપિને પ્રગટ ન કરી હોત તો આ લોકની શુભગતિ ક્યારેય થઈ ન હોત. બ્રહ્માજીએ જે લેખનકલાને પ્રગટ કરી છે તે કલા અતિ પ્રાચીન માનવામાં આવી છે. આપણાં ઈતિહાસમાં કહે છે કે ત્યાં અભિલેખના શાબ્દિક અર્થની શરૂઆત બ્રહ્માજી દ્વારા થયેલી પરંતુ તેમને આ રીતે શાબ્દિક અર્થ લખતા કરવા માટે માતા સરસ્વતીએ પ્રોત્સાહિત કરી તેમને એક વાંસની લેખણી અને કમલ પત્ર આપેલ.
થોડા સમય પહેલા ફિલાડેલ્ફિયાના આર્ટ મ્યુઝિયમમાં કયા દેશની લેખન શૈલી પ્રાચીન છે તે વિશે એક કોન્ફરન્સ થયેલ આ કોન્ફરન્સમાં એક મત એવો હતો કે મેસોપોટેમિયા અને ઈજિપ્તની લેખનશૈલી સૌથી વધુ પ્રાચીન છે. જ્યારે અમુક લોકોનું મંતવ્ય એવું હતું કે ચાઇનીઝ લખાણ વધુ પ્રાચીન છે, અને અમુક લોકોનું માનવું હતું કે ઇન્ડિયન સંસ્કૃતિનું લખાણ સૌથી પ્રાચીન છે. ઇંડિયન સંસ્કૃતિના મતને માનનારામાં ડો. જોહન વેન્યુરી પણ હતાં. તેમનું કહેવું હતું કે ભારતનો ઇતિહાસ ૧૦,૦૦૦ વર્ષ જૂનો છે અને આ ઈતિહાસના અમુક પ્રૂફ પણ મળ્યાં છે પરંતુ ડો. જોહનની વાતને માનવા છતાં ન માનવામાં આવી તેનું કારણ એ કે ઈતિહાસકારોના મતે ભારતની આટલી પ્રાચીન સભ્યતાનું કોઈ લેખિત પ્રમાણ મળેલું નથી. આથી ફાઇનલ નિષ્કર્ષ એ નિકળ્યું કે ડેન્યુબે વેલીના (Danube Valley) લખાણને સૌથી પ્રાચીન માનવામાં આવ્યું, જે પથ્થરો પર અંકિત કરાયેલું છે. ડેન્યુબે વેલી બાદ બીજા નંબરે મેસોપોટેમિયા અને ઈજિપ્તનો આવ્યો ત્યારબાદ ત્રીજા નંબરે ભારતની પ્રાચીન લેખન શૈલી રહી. ઈજિપ્ત અને ભારત બંનેની સંસ્કૃતિ અતિ પ્રાચીન હોવા છતાં પશ્ચિમી જગત કેવળ ઈજિપ્તને જ પ્રાચીન માને છે. તેનું મુખ્ય કારણ આપતાં કહે છે કે ઈજિપ્તનો લિખિત ઇતિહાસ ૮૦૦૦ વર્ષ જૂનો છે જ્યારે ભારતનો લિખિત ઇતિહાસ કેવળ ૫૦૦૦ વર્ષ જૂનો છે. જો ભારતની લેખન શૈલી કેવળ પાંચ હજાર વર્ષ જૂની હોય તો તે સમય ભગવાન કૃષ્ણના સમયનો હતો પરંતુ જો કૃષ્ણનો સમય હોય તો તેનાથી પહેલા પણ ઉપનિષદો, સંહિતાઓ અને વેદોનું નિર્માણ થઈ ગયું હતું તો આ ગ્રંથોનો ઉલ્લેખ કેમ ન કરાયો તે એક સવાલ બની રહે. આ કોન્ફરન્સમાં રહેલા કોલમ્બિયા યુનિવર્સિટીના પ્રો. એરિક ફોનેરનું માનવું હતું કે વેદોનું નિર્માણ એ આર્યો દ્વારા થયેલું હતું અને ઉપનિષદો, સંહિતા વગેરે રચાયા હતાં કે નહીં તેનું કોઈ લેખિત પ્રૂફ આપણી પાસે (ભારતીયો) નથી. પશ્ચિમી જગતની માન્યતા ભલે ખોટી હોય પણ તેમના હાથમાં જે કાંઇ સંશોધન આવ્યું તેનું આ પરિણામ હતું અને જો પ્રો. એરિકની વાત માનીએ તો ઋષિમુનિઓ દ્વારા લખાયેલા આપણાં પ્રાચીન ગ્રંથો ક્યાં ગયા? ખરી રીતે જોઈએ તો આપણે ત્યાં લખાણ તો હતું પણ એ લખાણ જેના પર હતું તે સામગ્રી આપણી પાસે ન હોવાથી આપણી સંસ્કૃતિનો અમૂલ્ય વારસો પણ ખોવાઈ ગયો છે.
આજે આપણે સમય સાથે જે ખોવાઈ ગયા છે અને જેની ઉપર આપણી સંસ્કૃતિના અનેક પાનાઓ લખાતા હતાં તે વસ્તુઓ ઉપર આજે આપણે નજર કરીએ.
તાડપત્રો:-
તાડ એ નાળિયેરી, ખજૂરી ને સોપારીની જાતનું વૃક્ષ છે જેનું થડ ઊંચું હોય છે અને ઉપરની તરફ પાંદડા હોય છે. આ વૃક્ષના ફળ દેખાવમાં નાળિયેર જેવા હોય છે પણ અંદરથી પાણીને બદલે પાણીરૂપી રસ ધરાવતા ૩ થી ૪ ફળ નીકળે છે જેને આપણે તાડગોળા તરીકે ઓળખીએ છીએ. પ્રાચીન કાળમાં આ તાડપત્રોની મુખ્ય લેખન સામગ્રીમાં ઉપયોગ થતો હતો. તેનું કારણ એ હતું કે તાડપત્રોને સરળતાથી ઊધઈ લાગતી નથી આથી આ સૂકાયેલા પાંદડા ઝડપથી ખરાબ પણ થતાં નથી. છઠ્ઠી શતાબ્દીમાં લખાયેલ “કુરુદ ફલક”માં સ્પષ્ટ રીતે કહેલ છે કે તાડપત્રોનો ઉપયોગ વિશેષતઃ રાજદ્વારી કાર્ય હેતુસર થતો હતો. ચાઇનીઝ યાત્રી હ્યુ એન સાંગે પણ પોતાની યાત્રાના સંસ્મરણમાં કહ્યું છે કે ભારતમાં ગ્રંથો લખવા માટે તાડપત્રોનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે આ તાડપત્રો ઉપર કોલસાને ઘસવામાં આવે છે ત્યારબાદ તેને પ્રથમ સુકવવામાં આવે છે ત્યારબાદ તેના ઉપર લખવામાં આવે છે ત્યારબાદ તેના બંને છેડાના ભાગમાં બે-બે કાણાં પાડી, એમાં દોરી પરોવવામાં આવે છે અને ઉપરથી ગાંઠ બાંધવામાં આવે છે, જેથી પાનાં છૂટા ન થઈ જાય. આ લખીને બંધાયેલ તાડપત્રોને “પોથીકા” ને નામે ઓળખવામાં આવે છે. નેપાળમાંથી આ પ્રકારની સ્કંદ પુરાણ, પરમેશ્વર તંત્ર, લંકાવતાર વગેરેની આ પ્રકારની પોથીકાઓ મળી આવી છે જ્યારે બંગાળ, રાજસ્થાન અને ગુજરાતમાંથી પણ નવમી સદીની અને ત્યારપછીની સદીઑમાં બનેલી આ પ્રકારની પોથીકાઓ મળેલી છે.
ભૂર્જપત્રો:-
એક અનુમાન લગાવવામાં આવે છે કે ભૂર્જપત્રોનો પ્રયોગ ઉત્તર પશ્ચિમ ભારતમાંથી શરૂ થયેલો હતો. ભૂર્જપત્ર એ ભૂર્ગ (બર્ચ) નામના વૃક્ષની અંદરની તરફની છાલ છે. આ ભૂર્ગ વૃક્ષો મોટેભાગે ઉત્તર ભારતમાં અને હિમાલયની પર્વતમાળામાં જોવામાં આવે છે. એલેકઝાન્ડરના સૈન્યમાં રહેલા કર્ટિયસે પોતાના પુસ્તકમાં આ વાતનો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે વ્યાસ નદીની આ તરફ રહેલા લોકો અને પેલી તરફ રહેલા લોકો લેખન સામગ્રીના રૂપમાં આ વૃક્ષનો પ્રયોગ કરતા હતાં. કવિ કાલિદાસના કુમારસંભવમાં પણ લેખન સામગ્રીના રૂપમાં ભૂર્જપત્રોનો ઉલ્લેખ કરાયો છે. તાડપત્રોની જેમ ભૂર્જપત્રોને પણ બાંધીને તેની પોથીકા બનાવવામાં આવતી. મુગલકાળમાં બનેલ ભૂર્જપત્ર ઉપર અરબી અને ફારસી લિપિમાં લખવામાં આવતું હતું. આ સમયે ભૂર્જપત્રની પોથીકાની ઉપરના પત્ર ખરાબ ન થાય તે હેતુથી તેના પર ચામડાનું કવર ચડાવવામાં આવતું હતું. આ ભૂર્જપત્ર (પોથીકા) ઉપરની મોટાભાગની કોપીઓ ઇ.સ ૧૫મી સદી પૂર્વેની કોપીઓ મળેલ છે. પેરિસના લૂવ્રે મ્યુઝિયમમાં આસામી, મૈથિલી અને બંગાળી ભાષામાં લખાયેલ રામાયણના સુંદરકાંડની ભૂર્જપત્રની પોથીકા રહેલી છે.
કમલપત્રો:-
એક સમયે ભૂર્જપત્ર અને તાડપત્રોની માફક લેખન સામગ્રીમાં કમલપત્રનો પણ ઉપયોગ થતો હતો, પરંતુ ફર્ક માત્ર એટલો હતો કે કમલપત્રોની કોઈ પોથીકાઑ બનતી ન હતી. આ કમલપત્રો દ્વારા છૂટાછવાયા સંદેશાઑ મોકલાતા હતાં. માતા સરસ્વતીએ પોતાના પિતાને (બ્રહ્માજી) લેખન કરવા માટે પ્રોત્સાહિત કર્યા ત્યારે તેમને વાંસમાંથી બનાવેલી કલમ અને કમલપત્ર આપેલ હતું, વ્રજ સાહિત્યમાં જણાવેલ છે કે ભગવાન કૃષ્ણ પણ રાધાજીને પોતાનો સંદેશો પહોંચાડવા માટે કમલપત્રોનો ઉપયોગ કરતાં હતાં. જ્યારે મધ્યયુગમાં ગણિકાઓ આ પત્રોનો ઉપયોગ ધનિકો સુધી સંદેશ પહુંચાડવા માટે કરતી હતી.
તાંબુલપત્રો:-
લેખન સામગ્રીમાં તાંબુલપત્રોનો ઉપયોગ રાજા વિક્રમાદિત્યના સમયથી શરૂ થયેલો હતો તેવી એક માન્યતા છે. આ સમયે તાંબુલપત્રમાં ગુપ્ત સંદેશો મોકલાતો હતો તેમ વૈતાળ પચીસીમાં જણાવાયું છે. મુગલકાળમાં તાંબુલપત્રોનો જે ગુપ્ત સંદેશો હતો તેવો જ બીજો પ્રેમનો સંદેશ લખીને બાદશાહ સુધી પહોંચાડાતો હતો. પુષ્ટિ સાહિત્યમાં એક પ્રસંગ છે કે આચાર્યચરણ શ્રી વિઠ્ઠલનાથજી પોતે ખાધેલા પાનની પિક વડે તાંબુલપત્રમાં વિરહનો સંદેશો લખીને શ્રીનાથજી બાવા સુધી પહુંચાડતા હતાં.
આપણી સંસ્કૃતિનો એક ભવ્ય વારસો પત્ર પર લખાયેલો હોય આ વારસો આજે આટલા વર્ષો પછી જોવા નથી મળતો. કારણ કે આ પત્રોની જાળવણી બરાબર ન થાય તો તે ચૂરો ચૂરો થઈ જાય છે. આ પ્રકારની અમુક સામગ્રીઓ ભલે મ્યુઝિયમની અંદર કેદ થયેલ હોય પણ હકીકત એ પણ છે કે આપણે ત્યાં પાશ્ચાત્ય જગતની જેમ પ્રત્યેક ઐતિહાસિક વસ્તુઓનું કોઈ મૂલ્ય જાળવીને રાખી શકાયું નથી તો આ પર્ણોનો ઇતિહાસ પણ ક્યાંથી હોય?
– પૂર્વી મોદી મલકાણ