જ્યારથી ચમનિયાના કાનમાં કોઈએ ફૂંક મારી છે, ત્યારથી એના મગજમાં ધુમ્મસ ભરાઈ ગયું છે, બોલો! લોકોય સ્હેજ પણ સીધાં નહી ને? વાતમાં આમ તો કંઈ માલ જ નથી પણ કહેવાય છે ને કે, “કબ હું મન રંગત રંગ ચઢે, કબ હું મન સોચત હૈ ધન કો, કબ હું મન માનુની દેખ ચલે ઔર કબ હું મન સૌચત હૈ મનકો!” જેનું મન બગડ્યું, એનું મગજ ફાટે જ ફાટે! વાત જાણે એમ છે કે નેધરલેન્ડની માર્સ વન નામની કોઈ સંસ્થાએ, સમાનવ મંગળયાત્રા ગોઠવી અને તેમાં જનારા પ્રવાસીનો બધો ખર્ચ પણ આ સંસ્થા ભોગવવાની આ માટેના યાત્રિકોની યાદી પણ તૈયાર થઇ રહી છે. બસ આ વાતની જોરદાર ફૂંક, કોઈ પેટબળાએ મારા આ બોકળાના કાનમાં એવી મારી કે મારેલી ફૂંકનું આખું વાવાઝોડું થઇ ગયું! સાથે એવો મસાલો પણ ભરી આપ્યો કે આ યાદીમા નામ નંખાવવું હોય, તો તું રમેશ ચાંપાનેરીનો કોન્ટેક્ટ કર, તારો ખાસ મિત્ર છે એટલે ફટ દઈને પતી જશે. બસ ત્યારથી એ મારો પડછાયો બનીને ફરે છે, પીછો જ નથી છોડતો. હું એના ખાલી ભેજામાં આ ભૂસું કોણે ભેરવ્યું એને શોધું છું!
વિચાર એના મગજમાં એવો ઘૂસી ગયો છે કે લોકોને તો પેટમાં કબજીયાત થાય, પણ આ બબુચકને ભેજામાં કબજીયાત થઇ ગઈ. પેટની કબજીયાત હોય તો કોઈપણ ડોક્ટર પાસે જઈને, એનું ‘અબોર્શન’ પણ કરાવી લાવીએ! આ તો ભેજાની કબજીયાત! સીટી સ્કેનમાં પણ નહિ આવે! ટીવી જુઓ કે ના જુઓ, પણ એની ચેનલ ચોવીસ કલાક ચાલુ રહે એમ એના ભેજામાં એક જ ધૂન ચાલે, ‘મારે કોઈપણ રીતે મંગળના ગ્રહ ઉપર જવું છે કોઈ મને મંગળ પર મોકલાવો રે મોકલાવો! ટોઈલેટમાં બેઠો હોય તો ત્યાં પણ એક જ લવારો, ‘જાના હૈ, જાના હૈ, મુજે મંગલ પર જાના હૈ, ધીન ધીના ધિન્ન ધિંગધીન ધીના ધિન્ન ધિંગ!’ એની પીન જ એવી ચોંટી ગયેલી કે કોઈપણ પ્રકારે ડીલીટ થાય જ નહીં! તારી ભલી થાય તારી ચમનિયા!
આ દુનિયાનો નિયમ છે બકા! મફતકા મરી ઇઝ ઓલ્વેઝ સ્વીટ! આ તો ગુજલીશ ઈંગ્લીશ છે દેશી ભાષામાં કહીએ તો, મફતના મરી કોને તીખા લાગે? મફતમા જો મળતાં હોય તો લોકો મરચાં પણ જેઠીમધના મૂળિયાની જેમ ચાવે એવાં પણ આ બબૂચકને કોણ સમજાવે કે આ તો વન-વે પ્રવાસ છે માત્ર મંગળ ઉપર જવાનું જ મફત પછી તો ‘તિકડે જ પંઢરપુર!’ એકવાર ગયા એટલે ગયા કામથી! પછી બધું ત્યાં જ પતાવવાનું! ‘જીના ભી વહાં ઔર મરના ભી વહાં’ રેશનકાર્ડમાંથી નામ કાઢીને જ જવાનું!
ભાઈ દોસ્ત તો મારો પણ દોસ્ત કહેતાં ય હવે મને લાજ આવે છે બકા! એટલાં માટે કે એ ધંતુરો ભૂગોળમાં ભલે ‘હેન્ડસમ’ લાગે, બાકી એના ભેજામાં ભૂગોળ કે ખગોળના તો મુદ્દલે છાંટા નહીં પડેલા! અલ્યા જેને ગામના પાદરનું પણ પાધરું નોલેજ ન મળે એ મંગળ પર જવાના ઉંચા નિશાન રાખે? એને જો માત્ર ગુજરાતનો નકશો દોરવા આપ્યો હોય ને તો એમાં પણ પાકિસ્તાન બતાવે એવો! અને આપણે નીચે લખવું પડે કે, ‘આ ગુજરાતનો નકશો છે, ખાબોચિયાનું ચિત્ર નથી!’ આવો ભેજા-લેસ માણસ! હવે તમે જ કહો, જે ધંતુરો ગામમાં ન ચાલે, એ મંગળ ઉપર ચાલે? ફેર એટલો પડે કે પૃથ્વીનો ભાર ઓછો થાય ને મંગળ ઉપર વધે!
બીજી વાત નીચું જોવાં સિવાય એણે ક્યારેય કોઈ કામ ઊંચું કર્યું જ નથી એટલે ઉંચે જોવાની બાબતમાં તો સાવ ઝીરો! એટલે સ્વાભાવિક છે કે આકાશનુ નોલેજ તો મુદ્દલે ન જ હોય! આકાશને પણ વાદળું કહે એવો! પાછો મને કહે,’તક જો મળે ને રમેશ, તો આ બંદાએ એકવાર સૂર્ય ઉપર જવું છે!’ મે કહ્યું, ‘ગૂંગળીના સૂર્ય ઉપર જાય તો તારો બાપ બળી જાય.’ મને કહે, ‘આ જ છે ને? દિવસે શું જખ મારવા જઈએ કે બળી જઈએ, આપણે રાતે જવાનું!’ તારી ભલી થાય તારી ચમનિયા!
પણ કહેવાય છે ને કે, રિદ્ધિ સિદ્ધિ અને જીદ્દી આ ત્રણેયને જો વશ કરવા હોય તો, બ્રહ્મા-વિષ્ણુ અને મહેશે એક સાથે જનમ લેવો પડે બાકી માણસજાત માટે તો વશ કરવું બહુ અઘરું! બે ઘડી તો આપણને ફીઈઈણ લાવી દે બકા! એમ જ થાય કે, માણસની કુંડળીમાં ભલે ‘મંગળ’ ગમે તે સ્થાને હોય, એને તો પહોંચી વળાય અને એના ઉપચાર પણ થાય પણ આવા અધૂરિયાના ભેજામાં ઘૂસેલા, ‘મંગળયાત્રા’ ના અઘરા વિચારનો કોઈ ઈલાજ ન થાય! આજે પણ એ ઊંઘમાં બોલે છે કે, ‘સુબહ પહલી ગાડીસે હમ તો ચલે જાયેંગે.’ બસ નથી ઘરમાં કોઈને જંપવા દેતો કે નથી મહોલ્લામાં કોઈને ઠરવા દેતો. ઉઠતાં બેસતાં એક જ લવારો ‘મારે મંગળ ઉપર જવું છે, કોઈ મને નેધરલેન્ડની માર્સ વન સંસ્થા સાથે મુલાકાત કરાવો’ જાણે કાચો કુંવારો કુંવર કોડીલો પૈણવા માટે ‘રે મને કોઈ પૈણાવો રે પૈણાવો’ નો કકળાટ કરતો હોય એવો ભૂંડો લાગે બોલ!
આવા ધંતુરાને જોઈને તો મંગળવાળા પણ મોમાં આંગળા નાંખી દે કે અત્યાર સુધી તો અમે મંગળવાળા માણસને નડતા હતાં આ બબૂચક તો હવે મંગળને નડવાનો! સાલી આપણી પૃથ્વીવાસીની ઈજ્જત ધૂળધાણી નહીં થાય? કેવી ઈજ્જત જાય! અહિયાં તો ઉકેલ મળે, માણસને મંગળ નડે તો પ્રખર પંડિતો એનો ઉકેલ પણ કાઢે પણ મંગળને જો માણસ નડ્યો, તો બિચારાનું આવી જ બને ને? ત્યાં ક્યાં પંડિત શોધવા જાય! ભગવાનની બધી એજન્સી તો આપણી પાસે! આપણે ત્યાં તો માણસને મંગળ નડતો હોય તો પંડિતો મંગળની વીંટી પહેરાવીને નડતર કાઢી પણ આપે પણ મંગળના ગ્રહવાળાને માણસ નડ્યો તો એને કોણ વીંટો પહેરડાવે?
મે એને પૂછ્યું કે, ‘મને કહે તો ખરો, કે તારે મંગળ ઉપર જવું છે શું કામ’ મને કહે ‘સાચી વાત કહું રમેશિયા? આ એક ઉઘરાણીઓવાળાથી અને એક આ તારી ભાભીના ત્રાસથી એવો કંટાળી ગયો છું કે હું મંગળને બદલે પાતાળમાં પણ જવા તૈયાર છું! આ તો મંગળની સ્કીમ નીકળી એટલે રસ જાગ્યો છે કે મને કાયમના માટે છુટકારો મળે!’
તારી ભલી થાય તારી ચમનિયા!!
– રમેશભાઈ ચાંપાનેરી