જુની આંખે નવાં ચશ્માં

જુની આંખે નવાં ચશ્માં

પૃથ્વી આખી જો બદલાઇ શકતી હોય તો આપણે તો બુધ્ધિજીવી છીએ. આપણે દેશ તેવો વેશ કેમ ના કરી શકીએ?

જુની આંખે નવાં ચશ્માં આમ તો પરિવર્તન અને અનૂકુળતાની વાત છે. કહે છે પરિવર્તન એ સદાય ચાલતી ઉત્ક્રાંતિનું પ્રતિક છે. સૂર્યથી છૂટી પડેલ પૃથ્વી અબજો વર્ષો પહેલા સુર્ય જેટલી જ ગરમ અને ધગધગતી હતી. સુર્યથી જેમ દૂર ફેંકાતી ગઈ તેમ, તે ઠંડી પડતી ગઈ. કદાચ આ સહુથી પહેલું પૃથ્વીનું પરિવર્તન હતું. અનુકૂલતા કાજે જીવોની ઉત્પતિ થઇ, વરસાદ પડ્યો અને ખાલી જગ્યાઓ કે જ્યાંથી ચંદ્ર છૂટો પડ્યો હતો ત્યાં સાત સમુદ્ર થયા.

જંગલો, પર્વતો અને એક તબક્કે ડાયનાસોર થયા. એ ચક્ર ફરતું ફરતું આજે એક્વીસમી સદીમાં આવીને ઊભું રહ્યું છે. અબજો વર્ષથી ચાલતા આ પરિવર્તનશીલ યુગમાં એક નાનુ કુટુંબ અનેક સ્વપ્નાઓ લઇ અમેરિકા આવ્યું. તેની વાત મારે આજે માંડવાની છે.

દીકરો બાર વર્ષનો અને દીકરી સોળ વર્ષની, પતિ પત્ની બંને ૪૫ના. ઘર બદલાયું, ભાષા બદલાઇ, ગાડી ફરજીયાત શીખવાની આવી. કલાકના સાત ડોલરની આવક સાથે પતિ અને પત્નીએ અમેરિકન જીવન શરુ કર્યું. જુની આંખો નવી દુનિયા બતાવવા માંડી. દીકરી અને દીકરાને અમેરિકન છૂટછાટ ભર્યુ જીવન ગમવા માંડ્યું. માબાપ છોકરાઓની ખુશીમાં ખુશ, એમ માની પરિવર્તન સ્વિકારી અનુકૂલ થવા માંડ્યા. વળી, અમેરિકા તો આમેય મોટો મેલ્ટીંગ પોટ. ગમે કે ના ગમે ડોલર અને રૂપિયા વચ્ચે અંતર તેથી ભારતની સરખામણી ભુલાવા માંડી.

ઘર આંગણે એક નહીં ત્રણ ગાડીઓ પાર્ક થતી. એક પગાર છોકરાઓને ભણાવવામાં, કારના હપ્તા અને વિમામાં જતો. બીજો પગાર ઘર વખરીમાં ત્યાં બચત કેવી અને વાત કેવી? ૪૬ વર્ષે ઘરના વડીલનું ભણવાનું શરુ થયું, તે પહેલું અને મોટું પરિવર્તન. કોલેજ પૂરી થઈ અને પંખીઓને પાંખો આવી ગઈ.

લગ્ન ગુજરાતી અને ઉચ્ચ કૂળનાં પાત્ર લાવે તેવી અપેક્ષાઓ છોડી ભારતીય લાવશે તો ચાલશે ! સમલીંગી લગ્નના કરીશ વાળી સર્વ વાતોને કડવી દવાનાં ઘૂંટની જેમ પીવાઇ ગયું અમેરિકામાં તો આવું જ હોય એમ સ્વીકારતા એક દાયકો પૂરો થયો. વચ્ચે વચ્ચે લે ઓફ આવે, હરીકેન આવે, કારોનાં અકસ્માતો થાય. શેરબજારમાં તેજી આવે મંદી આવે ! બેંકમાં ડોલર ઠલવાતા જાય, નીકળતા જાય.

જુની આંખે નવા તમાશા જોતા જોતા આજે ૪૬ની જગ્યા ૬૪ લીધી ! આમ એક દિવસ ઇલેક્ટ્રીક ભઠ્ઠીમાં રાખ થઇને વિખરાઇ જશે.

આ કથા એક ‘વાત’ કહે છે. જુની આંખે નવા પ્રસંગો જોયા કરો ! તેના કાચ ઉપર જુના વળગણો ના રાખો. જેણે વણગણો રાખ્યા છે તે સૌ દુઃખી છે. કાંતો હીબકા ભરે છે! દેશ પાછા જવાનો ઝુરાપો વેઠે છે ! જેણે જુની આંખને નવા દ્રશ્યો સાથે સંધિ કરી લીધી છે તે અહીં સીનીયર હોમમાં પણ આઇ પેડ ઉપર દીકરાનાં દીકરા જોઇને હસતો ચહેરો રાખે છે !

પૃથ્વી આખી જો બદલાઇ શકતી હોય તો આપણે તો બુધ્ધિજીવી છીએ. આપણે દેશ તેવો વેશ કેમ ના કરી શકીએ? ફક્ત એકલી મા હીબકા ભરે છે. તેને અંહી કશું ગમતું નથી. દીકરો ૧૦૦૦ માઇલ દુર દક્ષીણે અને દીકરી ૫૦૦ માઇલ દુર પશ્ચિમે છે. થેંક્સગીવીંગનાં દિવસે ભેગા થાય બાકી તો વીડીયો ચેટ અને ટેલીફોન ! ઠાલા હાસ્યો અને પરપોટાનાં જીવન જેટલું પ્રફુલ્લીત આંતર મન.

એક દિવસ રડતાં રડતાં પત્ની કહે છે, “આપણે અહીં આવીને શું મેળવ્યું?”

પતિ કહે, “સીનીયર હાઉસના પેલા કમલેશભાઇ કરતા તો આપણે સુખી છીએ? એમનો દીકરો તો ખબરેય નથી કાઢતો અને મોં પણ નથી બતાડતો. આપણને થેંક્સગીવીંગનાં દિવસે તો પોત્રાં મળે છે ને?”

પત્ની છતાંય અશાંત છે. ત્યારે પતિ કહે છે, “તું ૨૦૧૪માં છે અને ૧૯૮૦માં જે સ્વપ્ના જોયા હતા તે ના પુરા થયા તેને માટે કેમ રડે છે? કહેતી હોય તો “દેશ”માં હાલી નીકળીએ.”

પત્ની કહે, “હવે દેશમાં ય કોણ છે આપણું? છીએ ત્યાં જ ઠીક છીએ.” પત્ની એ અનુકૂલન બતાવ્યું પરિવર્તન સ્વીકાર્યુ !

 

VIJAY SHAH

CATEGORIES
Share This