ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ઉછાળે સાવચેતીનો માહોલ યથાવત્…!!

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૮૨૭૯.૪૮ સામે ૫૮૩૫૦.૫૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૭૯૨૪.૪૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૪૮.૪૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૯.૨૨ પોઈન્ટના ઘટાડા સાથે ૫૮૨૫૦.૨૬ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૩૭૫.૮૦ સામે ૧૭૩૯૭.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૨૭૬.૨૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૪.૮૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦.૪૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૩૮૬.૨૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક તેમજ સ્થાનિક સાનુકૂળ અહેવાલો પાછળ સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. વૈશ્વિક મોરચે ચાઈનાના અમેરિકા, યુરોપીય દેશોની માંગને પરિણામે નિકાસ-આયાત વેપારમાં ઝડપી વૃદ્વિના આંકડા અને કોરોના સંક્રમણ એશીયાના દેશોમાં ઘટી રહ્યાના અહેવાલ સાથે એશીયાના દેશોના બજારોમાં તેજીની રાહે આજે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી.

ભારતમાં કોરોના સંક્રમણ એકંદર કાબૂમાં હોવાના અને ચોમાસાની સારી પ્રગતિ સાથે અર્થતંત્રની વૃદ્વિ ફરી વેગ પકડી રહ્યાના પોઝિટીવ પરિબળ તેમ જ ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં સાઉદી અરેબિયા દ્વારા કિંમતમાં ઘટાડાની પોઝિટીવ અસરે ભાવ ઘટતાં ફંડોની આજે ઈન્ડેક્સ બેઝડ આરંભમાં વિક્રમી તેજી જળવાઈ હતી. પરંતુ વધ્યામથાળે ફંડોએ અફડાતફડી બોલાવીને આઈટી-સોફટવેર સર્વિસિઝ, ટેકનોલોજી અને ટેલિકોમ શેરોમાં પ્રોફિટ બુકિંગ કરતાં બે તરફી અફડાતફડીના અંતે ભારતીય શેરબજાર નેગેટીવ ઝોનમાં બંધ રહ્યું હતું. જ્યારે ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં લેવાલી કરતાં ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેક, આઇટી, ટેલિકોમ, ઓટો, મેટલ, રિયલ્ટી અને હેલ્થકેર શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૪૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૬૬ અને વધનારની સંખ્યા ૧૮૧૨ રહી હતી, ૧૬૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૭૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૫૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….
મિત્રો, સ્થાનિક સ્તરે પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં તથા વાહનોની કિંમતમાં પણ વધારો થયો હોવા છતાં ઓગસ્ટ માસમાં વેચાણમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. વાહનોના વેચાણમાં વધારો અને કોમર્સિઅલ વાહનોમાં મજબૂત રિકવરીને પરિણામે ઓગસ્ટ માસમાં ઓટોના રિટેલ વેચાણમાં વાર્ષિક ધોરણે ૧૪.૪૮% વૃદ્ધિ થઈને કુલ ૧૩.૮૪ લાખ વાહનોનું વેચાણ થયું છે. કાર્સ, એસયુવીસ તથા વાન્સને આવરી લેતા ઊતારૂ વાહનોનું વેચાણ ઓગસ્ટમાં ૩૯% વધીને રહ્યું હતું. વાહનોના નવા મોડેલ્સ ઉપરાંત નીચા વ્યાજ દરની લોન્સ પણ વેચાણ વૃદ્ધિમાં ટેકારૂપ બન્યા છે. ઓગસ્ટ માસમાં કોમર્સિઅલ વાહનોનું વેચાણ ૯૭.૯૪% જ્યારે ટ્રેકટર્સના વેચાણમાં ૫.૫૦% વૃદ્ધિ જોવા મળી છે, જ્યારે થ્રી વ્હીલર્સના વેચાણમાં ૭૯.૭૦% વધારો થયો છે. વર્ષ ૨૦૨૦માં કોરોનાને કારણે માંગ પડકારરૂપ બની રહી હતી જ્યારે વર્ષ ૨૦૨૧માં સેમીકન્ડકટર્સની અછતને કારણે પૂરવઠો મોટી સમશ્યા બની ગયો છે. વર્તમાન વર્ષમાં માગમાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે.

આગામી દિવસોમાં વૈશ્વિક મોરચે અફઘાનિસ્તાન મામલે જીઓપોલિટીકલ ટેન્શન પર નજર સાથે કોરોના સંક્રમણ ડેલ્ટાના યુ.કે. અને એશીયાના દેશોમાં વધતાં કેસો અને રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્યમાં વધઘટ અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પર નજર રહેશે. આ સાથે સ્થાનિક સ્તરે સપ્તાહના અંતે ભારતના જુલાઈ ૨૦૨૧ મહિના માટેના ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્વિનાના ૧૦,સપ્ટેમ્બર ૨૦૨૧ના આંકડા અને ચોમાસાની પ્રગતિ સાથે કેરળ સહિતના રાજયોમાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ પર નજર રહેશે.

CATEGORIES
Share This