ઓનલાઈન સ્કુલ કોલેજોને કારણે સગવડ કરતા અગવડ વધુ

કોરોનાવાયરસના રોગચાળા પછી વિશ્વભરમાં દેખીતા બદલાવ આવી ગયા છે. જેને લો ટાઈડ કહેવામાં જરાય ખોટું નથી. કોરોનાની અસર ઓછી થઇ ગઈ છે છતાં આના કારણે દરેકને પોતાની ખામીઓ અને ભૂલો જેમ દરિયાના વળતા પાણી પછીનો કચરો સ્પસ્ટ થાય તેમ નજરે પડી રહ્યા છે.

ઘણા મોટા ફેરફારોમાં એક મહત્વનો અને રોજીંદા જીવનના ભાગ સમો ફેરફાર અભ્યાસમાં આવી રહ્યો છે જે ઓનલાઈન શિક્ષણનો છે. જેમાં સ્કુલ કોલેજના દરવાજા બંધ થયા, અને કોમ્યુટર આઈપેડ ખુલી ગયા. દેશ વિદેશમાં મોટાભાગની  શાળાઓ અને મહાવિદ્યાલયોએ ઑનલાઇન શિક્ષણને અપનાવી લીધું છે.  આ માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓના મિશ્ર અનુભવો છે.

ઓન લાઈન શિક્ષણની અસર વિદ્યાર્થીઓ ઉપર ભારે થઇ રહી છે. મારી નજરે ફાયદા કરતા ગેરફાયદા વધુ છે. જુદી જુદી સંસ્થાઓ અને તેને અનુરૂપ અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓ ઉપર અસર પડી રહી છે. અમેરિકામાં અલગઅલગ સમય ઝોનમાં બાળકોને ભણવામાં મુશ્કેલીઓ પડી રહી છે. તેમની ઊંધ ઉપર અને સ્વાસ્થ ઉપર પણ અસર પડે છે. ન્યૂયોર્કમાં સ્ટડી કરતા અને કેલીફોર્નીયામાં રહેતા વિધાર્થીને ઘરે રહી ઓન લાઈન ક્લાસ કરવામાં ત્રણ કલાકના સમયનો અંતરાલ વેઠવો પડે છે ત્યારે રોજ વહેલા જાગવાની તકલીફ સામે આવે છે. વર્ચ્યુઅલાઈઝેશન થયેલા વર્ગોમાં રોજ વહેલી સવારે કે મોડી રાત્રે શિસ્ત જાળવી બેસવું અઘરું છે.

કોવીડના આખા વર્ષ દરમિયાન શિક્ષણ કાર્ય સાવ બંધ રહે તેના કરતા આ અપનાવેલી સુવિધા એકંદરે બાળકો અને ટીચરોના હિતમાં રહી છે. આમ કરવું અનિવાર્ય હતું. કારણ આ પધ્ધતિ દ્વારા બાળકોનું વર્ષ અને ભણતર બચાવી લેવાયું. આ માટે ગુગલ મીટ્સ, ઝૂમ વગેરે ઓનલાઈન એપ અને ટેકનોલોજી આશિર્વાદ જેવી બની. અનેક માતાપિતાને પણ આ દ્વારા રાહત રહી. બાળકો એટલો સમય વ્યસ્ત રહ્યા અને આગળ પણ વધી શક્યા.

છતાં અનેક દેશોમાં દુરના આંતર્રીયાત વિસ્તારોમાં જ્યાં ઈન્ટરનેટની સમસ્યાઓ રહેલી હોય ત્યાં આ પ્રકારના શિક્ષણ વિદ્યાર્થીઓ માટે પડકારરૂપ બની ગયા. ભારતના અનેક રાજ્યોમાં નબળી ઈન્ટરનેટ કનેક્ટિવિટી અને ઇલેક્ટ્રિક ઉપકરણોની ખોટ ઓનલાઈન શિક્ષણ સામેની સૌથી મોટી અવરોધક બની રહી. કેટલાક શિક્ષકોનું માનવું છે કે બાળકોને સમજાવવા યોગ્ય શિક્ષણ આપવા માટે આ પદ્ધતિ અસરકારક નથી. જેટલી એકાગ્રતા ક્લાસમાં જળવાય એટલી ઘરે રહી બાળકો જાળવી શકતા નથી. વિદ્યાર્થીઓ ઓનલાઈન ક્લાસ દરરમિયાન શિસ્તતાનું પાલન કરતા નથી.

છતાં પણ કોવીડના બંધને કારણે લાંબો સમય બાળકો ઘરે એકલા રહી, સ્કુલ અને શિક્ષણથી અલગ રહે તો ભણતર સાથે ગણતર ખોરવાઈ જવાની બીક વધી જાય. એ કરતા ઓનલાઇ શિક્ષણની સિસ્ટમ વધુ યોગ્ય રહી. આ દ્વારા બાળકો વ્યસ્ત અને રૂટીનમાં રહી શક્યા. ઘરે સાવ નવરા બેસી રહેવા કરતા ઘરે રહીને પણ તકલીફમાં, કઠીન પરિસ્થિતિઓમાં કેવી રીતે આગળ વધી શકાય તે શીખી શક્યા.

આના ફાયદા સામે નુકસાન પણ છે. દરેકની પાસે મોટા સ્ક્રીનના કોમ્યુટર નથી હોતા, મોબાઈલ ફોનના નાના સ્ક્રીન ઉપર ભણતર કરવું તેની સામે કલાકો આખો ટેકવી બેસી રહેવું નાના મોટા દરેક માટે ચેલેન્જ રૂપ છે. એક ધાર્યા ફોન કોમ્યુટર ઉપર બેસી રહેવાને કારણે તેમના સ્વાસ્થ સાથે મગજ ઉપર પણ અવળી અસર પડે સ્વાભાવિક છે. બાળકોનું બચપણ છીનવાઈ જાય છે. સ્કુલ કોલેજમાં મિત્રોનો સાથ તેમની મસ્તી આ જીવનને ઉલ્લાસભર્યું બનાવે છે. તેના બદલે અહી ના ફેશન, ના રખડપટ્ટી. જ તેમના જીવનને નીરસ બનાવી જાય છે.

આ બધાથી બચવા માટે ફેસટાઈમ તેમનો સહારો બની જાય છે.  આ બધાની સાથે તેમના આરોગ્ય અંગે પણ વિચારવું રહ્યું. શારીરિક નબળાઈ અને સુસ્તતાનો સામનો કરવો પડે છે.

દરેક શિક્ષણ સંસ્થાએ ઓનલાઈન શિક્ષણ બાદ બાળકોને ફીઝીક્લ એક્ટીવીટી માટે ઝૂમ ડાન્સ, યોગા અને મેન્ટલી રીલેક્સ માટેની રમતો થોડીવાર માટે પણ રાખવી જોઈએ. જેથી તેમનો ઉત્સાહ અને સ્વાસ્થ જળવાઈ રહે.

આ માટે દરેક શિક્ષણ સંસ્થાએ, શિક્ષકોએ પોતપોતાનો યોગ્ય ફાળો આપ્યો. તો સમા છેડે વાલીઓએ એટલીજ ફી પણ ચૂકવવી પડી. આ બધામાં સાચી મુશ્કેલી વિધાર્થીઓને પડી રહી છે. સાથે કોઈ સહપાઠી, કે મિત્ર નથી હોતા. તદુપરાંત શિક્ષક નજર સામે ના હોવાથી કેટલીક સમસ્યાઓનું સંતોષપણે નિરાકરણ કરી શકાતું નથી.

યુનિવર્સીટીના ક્લાસ ખુબ લાંબા હોય છે. ત્રણ ચાર કલાક લાંબા ક્લાસમાં બાળકોને એક ધાર્યું બેસી રહેવાની મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમાય વિજ્ઞાનના વિદ્યાર્થીઓને અને મેડીકલ ક્ષેત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે લેબોરેટરીમાં પરીક્ષણ કરવું ખુબ જરૂરી છે જે અહી શક્ય બનતું નથી.

પ્રોફેસર ઝૂમ ઉપર પ્રયોગ કરે અને વિધાર્થી તારણ કાઢે તેમાં કોઈ ખાસ પ્રગતિ નથી.

ફીઝીકલ થેરાપી, ઓક્યુંપેસનલ થેરાપી જેવા શરીરને લગતા અભ્યાસક્રમમાં ફીઝીકલ રીતે પ્રેકટીસની જરૂર પડે છે જે આ રીતે શક્ય નથી બનતું. છતાં વર્ષ બચાવી ભણતરને આગળ વધારવા હાલ પુરતો આ સુઝાવ કામ ચલાવે. કારણ રૂબરૂ આ બધું કરવું ગત વર્ષમાં પડકારજનક હતું.

અ બધામાં એક શિસ્તતા આવી એમ કહેવું ખોટું નથી. શિક્ષકો સમયની મર્યાદા અને સમયસર ઈમેલ ઓનલાઈન એક્ટીવીટીને જીવનનો ભાગ બનાવી શક્યા. સાથે વધારાના સમયનો બીજે ઉપયોગ કરી શક્યા. તેવીજ રીતે નાના બાળકોના માતાપિતા બાળકોના ભણતરને હોમવર્ક સાથે શિક્ષણ પદ્ધતિને વધુ નજીકથી સમજી શક્યા.

વર્ચુઅલ લર્નિંગ ફક્ત વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ નથી.  તેની અસર શિક્ષકોને પણ થાય છે. રોજ પાઠ્ય પુસ્તકો દ્વારા શીખવતા શિક્ષકો માટે ગુગલ મીટ અને ઝૂમ ઉપર બેસીને શીખવવું સહેલું નથી. તેમની શિખવાડવાની પદ્ધતિ ઉપર અસર કરે છે પરિણામે સો ટકા આપવા માટે અલગ મહેનત કરવી પડે છે.

ઓન લાઇન શિક્ષણ પદ્ધતિ  વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંને માટે રૂબરૂમાં શાળા કોલેજ કરતાં વધુ મુશ્કેલ છે. બસ હવે આ સ્થિતિ લગભગ પૂરી થવા આવી છે. આશા રાખીએ નજીકના સમયમાં બધુ રાબેતા મુજબ શરુ થાય અને સમસ્યાઓનો અંત આવે. છતાં આ નવો ડેલ્ટા વેરીએશન આવતા હજુ પણ સ્કુલમાં બાળકોને મોકલવા માટે પેરેન્ટસ ચિંતિત છે. કારણ બાર વર્ષથી નીચેના બાળકોને હજુ વેક્શીન મળી નથી. આશા રાખીએ નવું સત્ર સુખરૂપ શરુ થાય.

– રેખા પટેલ (ડેલાવર)

CATEGORIES
Share This