બાળ સ્વરૂપ પરમાત્મા સાથે  ભક્તને ભાવવિભોર કરાવતો હિંડોળા ઉત્સવ

બાળ સ્વરૂપ પરમાત્મા સાથે  ભક્તને ભાવવિભોર કરાવતો હિંડોળા ઉત્સવ

કુંજ હિંડોરો સઘન બન છાયો ,’બુંદ બુંદન બરસાત બિજુરી ચમકત ,
      કોકિલ કુહૂ કુહૂ શબ્દ સુનાયો.ઝૂલત ફૂલ રહી ચહુ દિશતે ,
      સરસ રંગ  તહાં બરસાયો  ….(હિંડોળા પદ માંથી સાભાર )

હિંદુ સંસ્કૃતિમાંદરેક વૈષ્ણવસંપ્રદાયમાં હવેલીઓ તેમજ હિન્દૂ મંદિરોમાં હિંડોળાઉત્સવનું અતિ મહત્વ છે. વર્ષા ઋતુના આગમન અને પ્રકૃતિના નવયૌવન છલકાટ સાથે,પંખીઓના કલશોર,મોરનર્તનથી થનગનતા આહલાદક વાતારવરણના વધામણાં રૂપે શ્રીનાથજી નાથદ્વારામાં 32 દિવસનો હિંડોળા ઉત્સવ અષાઢ વદ બીજ થી 25 જુલાઈથીશ્રાવણ સુદ -બીજ 24ઑગસ્ટ 2021 સુધી થશે.ઘણી વાર હિંડોળા વિજય (છેલ્લા)દિવસમાં ફેરફાર સંભવે ખરો. આ ઉત્સવ 5000 વર્ષ પહેલાં શ્રી કૃષ્ણને ગોપીઓએ ભક્તિ લાડ લડાવતા વ્રજ,વૃન્દાવનમાં બે ઝાડની વચ્ચે હિંચકો,ઝૂલો બાંધી હીંચકાવેલા,ઝુલાવ્યા હોવાથી ઝૂલા મહોત્સવ તરીકે આજ દિન સુધી આ ઉત્સવ ઉજવાય છે, ભગવાનને ઝૂલવાનો આનંદ ઈશ્વર સાથે જીવનું  મિલન તાદાત્મ્ય કરવાની પ્રસન્નતા આપતી ક્ષણો છે ,જે જગતની માયાવી ચિંતા,આધિ વ્યાધિ ભૂલી જઈ દિવ્ય આનંદ પ્રાપ્તિ કરવાનો લ્હાવો છે .
સંસ્કૃત શબ્દ ‘હિંડોલ ‘ઉપરથી,હિંદોલા ,હિંડોલ -ઝૂલવું ,ઝૂલો ,હીંચકો,પારણું  શબ્દ બન્યા,એક નાના પાટિયાને દોરીથી બે ઝાડ વચ્ચે દોરીથી બાંધીને બનેલો શણગારેલો હીંચકો સમય જતાં ઘરમાં આરામ માટે હીંચકો બની વપરાયો,સુવા,બેસવા,કઠેરાવાળો ખાટ,થોડા સુધારા સાથે મંદિરનો હિંડોળો બન્યો. ભાગવતપુરાણ,હરિવંશ,જયદેવનું ‘ગીત ગોવિંદ’ વગેરેમાં ‘ઝુલનયાત્રા ‘ શબ્દ મળે છે તેથી તે અતિ પ્રાચીન હોવાના ઉદાહરણ પૌરાણિક સત્ય ગણાય.વૈષ્ણવ મંદિરોમાં હિંડોળા માટે ખાસ વ્રજભાષાનાં અષ્ટસખા કવિઓએ પદો લખ્યાં છે તે ગવાય છે હિંડોળા સાથે પ્રાચીન પ્રણાલિકા જાળવી તેના નિયમો અને પ્રારંભ અને વિજય વિધિ નું પાલન કરાય છે. પ્રસંગોની યાદમાં ઝાંખીઓ કરવામાં આવે છે ,હિંડોળામાં કલાત્મક કારીગીરી પણ થાય છે ,પરંતુ અન્ય સંપ્રદાયો માં તેમાં છૂટ લેવામાં આવી છે અને હિંડોળામાં સમયાનુસાર ભક્તિ મનોરંજન જોડવાનો ચાલ પણ શરૂ થયો છે.

હવેલીમાં હિંડોળા ઉત્સવ માટે પુષ્ટિમાર્ગમાં શ્રીનાથજી મુજબ વિધિવિધાન છે.પ્રથમ 8 દિવસ નંદાલયમાં,(ઘરમાં )/પછી 8 દિવસ શ્રીજી શ્રી ગિરિરાજ પર્વતની આજુબાજુ માં,ત્યારબાદ 8 દિવસ નિકુંજભાવ સાથે,અને છેલ્લે 8 દિવસ યમુના તટ પર ઠાકોરજી હોવાના ભાવથી હિંડોળા દર્શન કરાવાય છે. પ્રસંગોપાત ઝાંખીઓથી વાતાવરણ ભક્તિમય વ્રજભૂમિ સમી છાયા ભાસની સુંદર સજાવટ હવેલી માં થાય છે.

હિંડોળો દરેક ભાગો પ્રતિકારાત્મક સંકેત છે.પ્રારંભ ને અધિવાસન કહે છે અને છેલ્લા દિવસ ને હિંડોળા વિજય કહેવાય છે .  ઠકુરાણી ત્રીજ શૃંગારમાં પ્રભુ પધારે ત્યારે જન્માષ્ટમી બધાઈ કીર્તન ગવાય છે;અધિવાસનમાં ‘કૃષ્ણદાસ નું પદ ‘રમત જગત ઝૂલે ઝુલાવે …રાધા પ્યારી  અને હિંડોળા વિજય માં ‘વ્રજરાજ કે ધામ હિંડોળે પદ ગવાય છે.અધિવાસન( પ્રથમ )દિવસે અને વિજય દિવસે સાદા લાલ ,કસુંબલના કળાકારીગીરી વિનાના  હોય છે  જેને સુરંગ હિંડોળા કહે છે ; ત્યારબાદ ચાંદીના,ફૂલ,પાંદડા,ફળ,સોનાના,કાચના,અભલાનાં,લોલોતરી, સૂકા,લીલા મેવાના, પાનના,કેળ સ્તંભ ,પવિત્રરા,, સુશોભિત કળાકારીગીરીથી નક્શીદાર સુંદર હિંડોળામાં કળા,સંસ્કૃતિ અને પરંપરાના દર્શન આજે પણ થાય છે ,ચિત્તાકર્ષક ઝાંખી વચ્ચે શોભતા હિંડોળામાં બાલકૃષ્ણ ઝૂલે ત્યારે ગીત,સંગીત, ભગવાન અને ભક્ત,ભક્તિ અને પ્રકૃતિ નો આહલાદ્ક અનુભવ થાય છે,હિંડોળા માતૃ વાત્સલ્યના સખીભાવ સાથે ભક્તિની આસ્થા જોડતો વર્ષાઋતુનો વૈભવ બતાવનારો આ ઉત્સવ છે.હવેલીમાં હિંડોળા સાથે વ્રજ ભૂમિ ને યાદ કરી જે બાવન વન,24 ઉપવનને   સ્મરણ કરાવતા ભાવથી ઠાકોરજીને  લાડ લડાવાય છે. લીલાઓના દૃશ્યો સજવામાં આવે છે,તેનો અર્થ છે માયાવી જગતને વિસરી જીવ આત્મા ને  પરમાત્મામાં એકરૂપ,તલ્લીન કરવો. શ્રી કૃષ્ણમય બની જવું .ચાતુર્માસમાં આવતો આ ઉત્સવ સંગીત,નાદ અને આરાધનાનું મિશ્રણ પણ છે.હિંડોળામાં બિરાજમાન ઠાકોરજી ને આંચકો ન લાગે તેમ એક દાંડી થી હળવેથી ઝુલાવાય છે, શૃંગાર સજી હિંડોળામાં પધરાવેલું બાળ સ્વરૂપ દર્શન કરતા વૈષ્ણવોમાં વાત્સલ્ય ભાવ જાગે છે.વૈષ્ણવ હવેલીઓમાં હજુ પ્રણાલિકા,પ્રથા સચવાય છે, અહીં એક વાત ધ્યાનમાં લેવા જેવી છે જેવી ઘટા હોય તેવા જ વસ્ત્ર,પીછેવાઈ ,ચંદરવો,જાજમ વગેરે હોવાથી મનભાવન દૃશ્ય બને છે. ગુરુગૃહ ની આજ્ઞા લીધા બાદ જ દરેક કાર્યો થાય છે. હિંડોળાની સજાવટમાં વાપરેલી વસ્તુઓ પ્રસાદ તરીકે લેવાતી નથી,સુખો મેવા વગેરે અન્ય ઉપયોગમાં લઈ શકાય છે,પુષ્ટિમાર્ગીય પરંપરા અન્ય હિન્દૂ મંદિરોમાં સંપૂર્ણપણે જળવાઈ નથી.મનોરથ,ઉત્સવ સાથે મનોરંજને પણ પગપેસારો કર્યો છે. અહીં દાવો થાય છે કેઆમ કરવાનું કારણ બાળકોમાં ધર્મ પ્રેરણા માટે આ સરળ માર્ગ છે ,જેથી બાળકોમાં ધર્મપ્રીતિ વધે અને  આપણો હિન્દૂ પરંપરાનો વારસો ભક્તિ અને ધર્મપ્રીતિ સાથે જળવાય.

સ્વામિનારાયણ સંપ્રદાય માત્ર 200 વર્ષ ભગવાનના જન્મ સ્વામિનારાયણ દેવ ના સાચા બનેલા બનાવો આધારિત અને નવા જમાનાને અનુરૂપ હિંડોળા ઉત્સવ ઉજવે છે ,તેમજ  બિસ્કુટ,ચોકલેટ,સ્ટેશનરી, રાષ્ટ્રધ્વજ, સુકામેવા,ફૂલ,વગેરે ના ડેકોરેશન થી વિવિધતા દાખવી હિંડોળા થાય છે અને તેના નવ નવા નામો પણ અપાય છે ,મંદિર પરિસરમાં અદભુત દ્રશ્યો વિવિધ ચલિત રમકડાંઓ વાપરી,દૃશ્યોમાં  ટેક્નિકલ, ઇલેક્ટ્રોનિક્સ વાપરી, ધર્મ સાથે સામાજિક ઉપદેશ અને મનોરંજન આપવાનો નવો ચીલો ચાલુ થયો છે . 2018 ની વાત કરીએ તો બાપુ નગર અમદાવાદમાં અને કારેલીબાગ વડોદરામાં સ્વામિનારાયણ  મંદિરોમાં વિવિધ હિંડોળા સાથે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ,હિમાલય દર્શન,મેજીક બોક્સ,અંતરિક્ષ યાત્રી,નગર ફરતી ટ્રેન,સામાજિક સંદેશ,પર્યાવરણ સમાજ કલ્યાણ, બાળકોની કલ્પનો ને આધારે તૈયાર થયેલો ઉત્સવ જોવા મળ્યો. આધુનિકતા સાથે ધર્મ,સમાજ અને સંસ્કાર સહીત ઇલેક્ટ્રોનિક્સ યંત્રણા ના વપરાશ સાથે અદ્ભૂત નગરી  બનાવેલી જે આકર્ષક કેન્દ્ર બની હતી. હિંડોળા નો ભાવ આધુનિકતામાં પલ્ટી માનવ માટે મંગળ સંદેશ વહેતો કરવાનું માધ્યમ બન્યું. તેમાં વિદેશી ભક્તો અને તેઓની સૂઝનો ચમકારાનો લાભ મળ્યો

હિંડોળાનો મુખ્ય હેતુ પણ માનવીને ભક્તિભાવ, ધર્મ તરફ પ્રેરિત કરવાનો છે.વર્ષા ઋતુમાં પ્રકૃતિને વન્દન કરવાનો પણ છે; ભગતને ભગવાન સાથે જોડવાનો અને પરંપરા સંસ્કૃતિ ને સાચવવાનો પણ છે.અંતે એમ  થાય ‘રંગ ભીના રે શામળિયા આવો ને ઝૂલીએ ‘ ભગવાન સાથે અધ્યાત્મભાવે ઝૂલવાનો અવસર કોને આનંદ ન આપે ?

જિતેન્દ્ર પાઢ/અમેરિકા

[email protected]

CATEGORIES
TAGS
Share This