
વ્રજભૂમિનાં પ્રખ્યાત કૃષ્ણ મંદિરોની યાત્રાએ -ભાગ ૧
માતા પિતાનાં, ભાઈ બહેન અને કુળનાં નામને ધારણ કરનારા ભગવાન શ્રી કૃષ્ણ માટે ગુરૂ શ્રી ગર્ગાચાર્યજીએ કહેલું કે હે નંદરાયજી આપનો આ પુત્ર પોતાનાં ગુણ અને કિર્તિ વડે અનેક નામોની પ્રાપ્તિ કરશે. આ મુજબ ભગવાન કૃષ્ણને વિવિધ નામો મળ્યાં. મીરાબાઈએ “ગિરિધર ગોપાલ” કહ્યો, સંત રૈદાસે “રસિયા” કહ્યો, ચિંતાનું હરણ કરનારો હોવાથી હરિ બન્યો અને નીલવર્ણીય હોવાથી નીલેશ. આ ઉપરાંત પાર્થસારથિ, હરિહર, જનાર્દન, કંસદલન, હૃષીકેશ, વગેરે જે અનેક નામે ઓળખાયો છે તે કૃષ્ણનાં અનેક મંદિરો ભારતભરમાં રહેલાં છે. ચાલો એ મંદિરોની શાબ્દિક યાત્રાએ નીકળી ભગવાન કૃષ્ણનાં દર્શન કરીએ, પણ દર્શનની શરૂઆત જ્યાંથી કૃષ્ણ નામનો અને કૃષ્ણધર્મનો ઉદય થયો હતો તે વ્રજભૂમિ પરથી કરીએ.
(૧) કૃષ્ણ જન્મભૂમિ મંદિર:-કૃષ્ણ જન્મભૂમિ મંદિર આજે જેવું દેખાય છે તેવું જ્યારે મહમદ ગઝની આવ્યો ત્યારે ન હતું, સમુદ્ર સમાન યમુના અને ત્યાં રહેલાં કંસનાં કિલ્લાને જોઈ ગઝની આફરીન થઈ ગયો. તેણે અહીં લૂંટફાટ કરી હુલ્લડ મચાવ્યું. ગઝની સાથે આવેલ અલબરૂની એ પોતાનાં પુસ્તક “ઉલ હિન્દ”માં કહ્યું કે, સ્થળ તે જન્નતથી પણ હસીન હોઈ અહીં જે કોઈ જન્મે છે તે જન્નતમાં જ જન્મયો છે તેમ જ સમજવું, જ્યારે ગઝનીનાં આજ કાફિલામાં રહેલ “મીર અલી ઉત્બી” એ “અલ તારીખે યામિની” માં કહ્યું છે કે, અગર હિન્દુઓનાં કોઈપણ દેવતાઓએ જો આ જગ્યાએ જન્મ ન લીધો હોત તો ચોક્કસ આ જગ્યાનું મહત્ત્વ ઓછું થઈ ગયું હોત. ગઝનીનાં ગયાં પછી આ સ્થળને ફરી બાંધવામાં આવ્યું. પણ આ સ્થળ વારંવાર તૂટતું ગયું અને વારંવાર બંધાતું ગયું. આજે જે મંદિર આપણે જોઈએ છીએ તે મંદિરનો જીર્ણોધ્ધાર ૧૯૫૧ થી ૧૯૮૧ વચ્ચે થયેલો.

(૨) શ્રી યશોદા નંદજીનું પ્રાચીન મંદિર:-સાધુનાં રૂપમાં આવેલાં ભગવાન શિવે શ્રી કૃષ્ણને વિનંતી કરી કે મને આપની બાલ્ય લીલા જોવાની ઈચ્છા છે પણ માતા મને આપની નજીક આવવા નથી દેતાં ત્યારે કૃષ્ણએ કહ્યું આપ નંદીશ્વર પર્વતનાં રૂપમાં વ્રજમાં બેસો હું ત્યાં લીલા કરવા પધારીશ. સમયાંતરે ગોકુળમાં જ્યારે અસૂરો અને વરુઓનો ત્રાસ વધવા લાગ્યો તે સમયે નંદબાબા સહિત ગોકુળવાસીઓ આ નંદીશ્વર પર્વતની તળેટીમાં આવી વસ્યાં. આજે જ્યાં મંદિર છે તે જગ્યાએ યશોદાજીનું ગૃહ આંગણ હતું અને અહીંથી રમતાં –રમતાં બાલકૃષ્ણ વારંવાર આ શિવરૂપ પર્વત પર ચાલી જતાં તે સમયે ભગવાન શિવ પ્રભુની લીલાનાં સાક્ષી બનતા હતાં. આજે આ મંદિર તે નંદગામમાં આવેલું છે.
(૩) બાંકે બિહારી મંદિર –વૃંદાવન:- મધ્યકાલીન યુગમાં કૃષ્ણભક્તિ અને રાધાભક્તિને પ્રગટ કરતાં જે સંપ્રદાયો અસ્તિત્ત્વમાં આવ્યાં, તેમાં એક સખી સંપ્રદાય પણ હતો જેનાં સ્વામી શ્રી હરિદાસજી હતાં. આપનો મુકામ વિશાખા કુંડ પાસે રહેતો હતો. એકવાર આ કુંડમાંથી આપને શ્રી બાંકે બિહારીજીનું વિગ્રહ પ્રાપ્ત થયું જેની સ્થાપના આપે નિધિવનમાં કરી. બાંકે બિહારીજીને નિધિવનમાં બેસાડયાંનાં બીજા જ દિવસે સ્વામી હરિદાસજીને અહીંથી રાધાજીનું વિગ્રહ સ્વરૂપ પ્રાપ્ત થયું તેને વ્રજસ્વામીની તરીકે બાંકેબિહારીજી સાથે બિરાજયું. શરૂઆતનાં દિવસોમાં આ બંને સ્વરૂપો નિધિવનમાં બિરાજતાં હતાં પણ યવનોનાં ઉપદ્રવ પછી આ સ્વરૂપો વૃંદાવનમાં બિરાજયાં. આ પછી બાંકેબિહારીજીનાં આ બંને વિગ્રહોએ ક્યારેય વૃંદાવન છોડ્યું જ નથી. આજનાં બાંકે બિહારી મંદિરની સ્થાપના ૧૮૬૪ માં થયેલી.
ટેરાની પ્રથા:- આ બાંકે બિહારીજીનાં સ્વરૂપની એક કથા છે કે એકવાર એક ભક્ત શ્રી બાંકે બિહારીજીનાં દર્શન કરવા આવ્યો. તે ભક્ત પ્રેમવશ થઈને બાંકેને ક્યાંય સુધી જોતો રહ્યો. ભક્તની આ મીઠી નજર અને આ ભક્તિથી બાંકે મોહાઈ ગયાં. જ્યારે આ ભક્ત પોતાને ગામ જવા નીકળ્યાં ત્યારે બાંકે બિહારીજીનું આ વિગ્રહ પણ તેમની પાછળ નીકળી પડ્યું. જ્યારે સખી સંપ્રદાયનાં આચાર્યોને આ વાતની જાણ થઈ ત્યારે આપ તે ભક્તને ગામ ગયાં અને તે વિગ્રહને સમજાવી મનાવી ફરી મંદિરમાં લઈ આવ્યાં. આ પ્રસંગ પછી બાંકે બિહારી મંદિરમાં ટેરો નાખવાની પ્રથા આવી જેથી કરીને પ્રભુને કોઈ નજર ન લાગે. બાંકે બિહારી મંદિરથી શરૂ થનાર આ ટેરાની પ્રથાને પાછળથી સર્વે કૃષ્ણમંદિરોમાં સ્વીકારી લેવામાં આવી.

(૪) શ્રી મદન મોહનજી મંદિર:-શ્રી મદન મોહનજીનું આ મંદિર તે આખાં વ્રજભૂમિનું સૌથી જૂનું મંદિર છે. આ મંદિરને શ્રી રાધામદન મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર સનાતન ગોસ્વામીનાં એક સેવક કપૂર રામદાસજીએ ૧૫૯૦ માં બનાવેલ. આ મંદિરનું મુખ્ય સ્વરૂપ શ્રી મદનમોહનજી ઔરંગઝેબને કારણે કરૌલી રાજસ્થાન ખાતે પધારી ગયું અને આજ સુધી તે ત્યાં જ છે. મુઘલવંશનું જોર ઓછું થયાં પછી અહીં મદનમોહનજીનું બીજું સ્વરૂપ પધરાવવામાં આવ્યું. એક સમયે આ મંદિરની સામેથી યમુનાજીનો વિશાળ પ્રવાહ નીકળતો હતો જેમાં મોટા મોટા વહાણો ચાલતાં હતાં પણ આજે એવું નથી. આ મંદિરની ખાસિયત એ છે કે, રથયાત્રાને દિવસે મંદિર પરિસરમાં પાલખીયાત્રા કાઢવામાં આવે છે તેમાં જગન્નાથજી સાથે મદનમોહનજી બિરાજે છે.

(૫) શ્રી રંગજીનું મંદિર:- ૧૮૬૧માં હીરા ઝવેરાતનાં વેપારી લક્ષ્મીચંદ શેઠે ૪૫ લાખ રૂપિયા ખર્ચી દક્ષિણ ભારત અને રાજસ્થાન એમ બે પ્રાંતની કલાને સમર્પિત એવું આ વિશિષ્ટ મંદિર બનાવેલું છે. જેમાં ગર્ભગૃહ તે શ્રી રંગ પટ્ટનમનાં ગોપુરમને આધારિત છે અને બહારનું મુખ્ય દ્વાર તે રાજસ્થાનની કલાને પ્રસ્તુત કરે છે. આ મંદિરનાં પૂર્વ દ્વાર પાસે એક વિશાળ સોનાનો ગરુડ સ્તંભ બનાવેલો છે, જે ૬૦ ફૂટ ઊંચો છે. એક સમયે આ ગરુડ સ્તંભની જગ્યાએ કદમનું વૃક્ષ હતું જેનાં પર ગરુડજી અમૃતકુંભ લઈને બેસેલાં હતાં. ( આ પ્રસંગ સમુદ્ર મંથનમાં મળેલ અમૃતનો અને પ્રભુનાં મોહિની સ્વરૂપનો છે ) જ્યારે લક્ષ્મીચંદ શેઠ આ જગ્યાએ આવ્યાં ત્યારે આ મંદિરની ઉત્તરમાં એક સરોવર હતું જ્યાં ગજ–ગ્રાહનો ( ગજેન્દ્ર મોક્ષ ) પ્રસંગ બનેલો હતો.
(૬) અષ્ટસખી કુંજ મંદિર:–અષ્ટસખીની સાથે શ્રી રાધારાસબિહારીજીનું વિગ્રહ જ્યાં બિરાજે છે તે આ મંદિરની સ્થાપના ૧૨ મી સદીમાં મહારાજા રામરંજન અને રાણી પદ્માવતીએ કરેલી.
આમ તો વ્રજભૂમિનાં કણેકણમાં કૃષ્ણ વસેલાં છે તેથી કૃષ્ણ અને તેની લીલા સાથે સંકળાયેલા અનેક મંદિરો આપણને આ ભૂમિ પર જોવા મળે છે. એક અનુમાન મુજબ કેવળ વ્રજભૂમિમાં જ સાડા આઠસો જેટલાં મંદિરો જોવા છે, પણ આ વખતે આપણે અહીં જ અટકીએ.
© ૨૦૨૧ પૂર્વી મોદી મલકાણ યુ.એસ એ.
[email protected]


